રવિવાર

સુધીર

ઑડી કરતા પ્રિય એવી લેન્સર લઈને સેન્ટર સ્ક્વેર પહોંચી ગયો. રિયા જોડે. ગયા રવિવારે સમય જ નહોતો મળ્યો એટલે એટલે આ શનિવાર રાતેથી જ બ્લેકબેરી સ્વિચઓફ કરી દીધો હતો. જોકે પોતાનો બિઝનેસ હતો એટલે ક્લાયન્ટ સિવાય કોઈ પૂછવાવાળું નહોતું. પણ આ રવિવાર તો રિયા માટે જ રિઝર્વ રાખવો હતો. હસીમજાક અને શોપિંગમાં બે-સવા બે કલાક વપરાઈ ગયા. બધો સામાન ડીકીમાં ઠુંસીને સીધા આઈનોક્સ પહોંચી ગયા. એક હીટ ઈંગ્લીશ મુવી જોઈ. મેકડોનલ્ડમાં ફરી આચર-કુચર ખાધું.

આખો દિવસ આખો સમય હાથોમાં હાથ હતા. એકબીજા જોડે મસ્તી થઈ રહી હતી. બધા લોકો એમની તરફ જોઈજ રહ્યા હતા. મોલમાં પણ, થિયેટરમાં પણ અને અહીં પણ. હજી લગ્નને ચારેક મહિના વાર હતી. સુધીર રિયાને એના ઘરે મુકવા ગયો. બહાર અડધો કલાક જેટલી વાતો થઈ. વળતી વેળાએ રિયા ઉદાસ થઈ ગઈ. હજી રવિવારને અઠવાડિયું વાર હતું! સુધીરે ખીસામાંથી એક "નક્ષત્ર"નું બોક્સ એની કોમળ હથેળીમાં મુક્યું. રિયાને પોતે ખુશ થવું કે ઉદાસ રહેવું એ સમજ ન પડી. પણ સુધીર ઘણો ખુશ હતો. સંપુર્ણપણે. રસ્તામાં એક હાથ થોડી વાર કારની બહાર કાઢ્યો. નોર્મલી મોટા લોકો આવું કરતા નથી...જ્યાં સુધી તેઓ બહુ ખુશ ન હોય.


સંતોષ.

બીજા દિવસે રજા હતી એટલે શનિવારે મોડી રાત સુધી ઓફિસમાં ઢસરડા કર્યા અને કામ પતાવ્યું. રવિવારનો કોઈ શિડ્યુલ નહોતો પણ જુના દોસ્તો મળવાના હતા. એક દોસ્ત મુંબઈથી આવવાનો હતો. કોલેજકાળ વિત્યેને વર્ષો પછી પણ દોસ્તી જેમની તેમ જ રહી હતી. રવિવારે સાંજે બધા જોડે બેઠા હતા. સુરસાગર પાસે આઈસ્ક્રીમની લારી પર બાઈક્સ ઉભી રહી. મહેશની ફિયાન્સી સ્મિતા પણ આવી હતી. બધાએ ખુબજ મજાક મસ્તી કરી. મુંબઈથી અનુજ આવી શક્યો નહોતો. બધાએ એને બહુ યાદ કર્યો, ફોન કરીને ગાળો આપી.

કલાક સુધી કોલેજકાળના દિવસો વાગોળ્યા. ત્યાંથી પાછા બધા કાઠિયાવાડી જમવાનું નક્કી થયું. "કિસ્મત કાઠિયાવાડી" થી આવતા આવતા રાતના સાડા દસ થઈ ગયા હતા. હસતા હસતા બધા છુટા પડ્યા. રસ્તામાં અનુજનો ફાલતુ પીજે બધાને મળ્યો. ઘરે આવતી વખતે સંતોષ બહુ ખુશ હતો, એને સોમવારે રજા હતી. ઘણા દિવસે આવો દિવસ આવ્યો હતો. એ એક સેકેન્ડ ચાલુ પલ્સરે ઉપર આકાશ જુએ છે, આંખો બંધ કરે છે અને હોઠ ઉપર સ્મિત ફરકી જાય છે.

વિજય.

આજે રવિવારે પણ હાફ ડે ફેક્ટરી ચાલુ રહેવાની હતી. વિજય ટીફિન લાવ્યો નહોતો કેમકે બાર વાગ્યે કામ પતી જશે એવું ધારેલું, પણ બે વાગી ગયા. બહાર ભજીયાની લારી હંમેશા ચાલુ રહેતી પણ પછી આ જે અડધો રવિવાર ભર્યો એનો ફાયદો શું? ખોટો ખર્ચો પોસાય? ઘરે જઈને જમવાનું જ હતું ને! સાઈકલ પર ઘરે પહોંચતા પોણા ત્રણ થયા. જમીને પછી થોડો આરામ કર્યો.

સાંજે રઘુએ બુમ પાડે અને બધા દોસ્તો ભેગા થઈ ગયા. નાકે બેઠા બેઠા ગપ્પા માર્યા. રઘુ નવી બાઈક લાવ્યો હતો બધા દોસ્તોએ જીદ કરીને બાટલી મંગાવી. વિજય પીતો નહોતો પણ જોડે બેઠો. દક્ષા ઘરેથી નીકળી. વિજય ક્યારની એનીજ રાહ જોઈ રહ્યો હતો. એ જોઈ ના લે એમ મહોલ્લાના બીજા રસ્તેથી સાઈકલ ભગાવીને મંદિર પહોંચી ગયો. હજી એની જોડે વાત કરવાની હિંમતો નહોતી ચાલતી. પણ આજે! આજે દક્ષા એની સામે જોયું! હવે વાત બની શકતી હતી. સંભાવના જણાઈ. દક્ષાથી દૂર છતાં પાછળ પાછળ વિજય ચાલતો આવ્યો. દોસ્તો એમને જોઈ ગયા અને બહુ મજાક ઉડાવી. થોડી વારે રઘુની બાઈક પાછળ બેસીને વિજય પોતાની સાઈકલ લેવા મંદિરે ગયો. રઘુને કામ હતું, એ નીકળી ગયો. વિજયે સાઈકલ ભગાવી, વિચાર્યું કે કાલે સાંજે પણ જો ફેક્ટરીથી જલ્દી આવી જવાય તો સારું, દક્ષા જોડે ફરીથી મંદિરે ભેગા થવાય. એણે ચાલુ સાઈકલે પોતાના હાથ છોડીને પહોળા કર્યા.


તમારો સન્ડે કેવો રહ્યો?

4 comments:

  1. દીપક, સરસ રજૂઆત. તમારાં લખાણોમાં અનોખા રંગો હોય છે. ગમે છે.

    ReplyDelete
  2. ઉપરના ત્રણેય દ્રશ્યો મારી આંખ સામેથી પસાર થયા.. દરેકના સ્થળ, કાળ અને પરિસ્થિતિ અલગ હતી છતાંયે તે દરેકને કંઇક ખાસ દિવસ પસાર કર્યાનો અનુભવ મેળવ્યો છે. દરેક ઘટના અંતની લાઇન.. પોતાની ખુશી વ્યક્ત કરવાની સ્ટાઇલ અદભુત લાગી. આ વાંચવાનો ખુબ આનંદદાયક અનુભવ રહ્યો.. થેંકસ..

    ReplyDelete
  3. ખુબ ખુબ આભાર!

    ReplyDelete
  4. એકદમ સરસ!!!! Liked it a lot!!!

    ReplyDelete