હદ - I
બે અલગ અલગ ગામ છે. એકમાં રહે છે ખરાબ લોકો, એકમાં સારા લોકો રહે છે. ખરાબ ગામ ફેલાતું જાય છે. એની સીમાઓનું વિસ્તરણ વધતું જાય છે તેથી બે ગામ વચ્ચેનું અંતર ઘટી જાય છે. એક સમય એવો આવે છે જ્યારે બંને ગામ વચ્ચે માત્ર એક આછી-પાતળી દીવાલ રહી જાય છે. એ દીવાલમાં ક્યાંક ક્યાંક બાકોરા પડી ગયા છે. જેમાંથી ઘુસણખોરી ચાલુ છે.

હું સારા ગામમાં રહેતો હતો...કદાચ આપણે બધા લોકો સારા ગામમાં જ રહેતા હતાં. ધીમે ધીમે સારા ગામના ચાલાક, ચાલબાજ, લાલચી, મહાત્વાકાંક્ષી, હોશિયાર, જબરા સ્ત્રી-પુરૂષોએ પેલી દીવાલ ઓળંગવાનું ચાલુ કર્યું. હવેતો ખબર નથી પડતી કોણ કયા ગામનું છે. પણ બંને ગામનું પોત-પોતાની જગ્યાએ અસ્તિત્વ છે. ઘણાં લોકો ત્યાં જઈ આવ્યા બાદ પાછા જેવા હતા એવા થઈ ગયા, તો વળી કેટલાક પ્રચલિત, મશહૂર થઈ ગયા.

ફક્ત જોવા ખાતર જ, વળી પોતાને ખાતરી કરવી હતી કે હું પણ પેલા લોકોની જેમ જબરો છું કે નહિ, જાણવી હતી મારી હદોને; મેં પેલી દીવાલ પાર કરવાનું નક્કી કર્યું. ભારે જીજ્ઞાશા, આતુરતા અને અસમંજસને લઈ એક રાતે હું પેલા બાકોરા પાસે જાઉં છું. આજુબાજુ નથી એની ખાતરી કરીને બાકોરાની છેક નજીક પહોંચી જાઉં છું. હળવેકથી પેલી બાજુ ડોકિયું કરી ને એક ઊંડો શ્વાસ લઉં છું. મહેક તો સરખી નીકળી બંને બાજુની! પછી એક હાથ દીવાલની પેલી પાર કાઢીને જોઉં છું. ચાંદનીમાં હાથ સફેદ દેખાય છે. પછી ધીમે રહીને એક પગલું અંદર જાઉં છું. વળી આજુબાજુ જોઈ લઉં છું. દસેક ડગલાં દીવાલે-દીવાલે ચાલ્યો. પછી અચાનક જાણે આંખો ખુલી ગઈ. હ્યદય એક ધબકાર ચૂકી ગયું. "હું ક્યાં છું" નું ભાન થયું. "ફરી ક્યારેક" એવું વિચારી હું પાછો ધીમા પગલે ઘરે આવી જાઉં છું. સવારે અરીસામાં ધ્યાનથી જોઉં છું. કોઈ બદલાવ આવ્યો નથી...ના ચહેરા પર, ના શરીર પર. પકડાઈ જવાના કોઈ અણસાર, નિશાન નથી. થોડાક ગણતરીના દિવસો વિત્યા પછી પેલી રાતે દીવાલ પાર કરી હતી એ વાત એક સપનાની જેમ યાદ રહે છે. એ પછી પણ સપનામાં આપણે બધા ઘણી વખત પેલા ગામમાં હોઈએ છીએ.

બસ. આજ ભેદ છે. સારા-ખરાબ વચ્ચે. ગાળો બોલવી, નશો કરવો, વ્યસની બનવું, ખોટું બોલવું, અદેખાઈ રાખવી, વિશ્વાસઘાત કરવો, ચાલબાજી રમવી, બેઈમાન થવું અને સારા હોવાની બરાબર વચ્ચે. સારું-ખરાબ બધું એક સાથે એક ગામમાં વસે છે. એને દલીલોથી સાબિત ના કરી શકાય, સાબિત થાય તો પણ આઝાદ રહે...
વળી પાછું સારા ગણાવું અને સારા હોવાની વચ્ચે પણ પેલી પાતળી દીવાલ છે.
સારા ગણાય એ સારા હોય એવું ન પણ બને.
સારા ખરાબમાં ખપી જાય એવું બની શકે.
સારા ખરાબ બની જાય એ શક્ય છે.
ખરાબ સારા બની જાય એવુ પણ જોયું છે.
ખરાબ સારામાં ગણાઈ જાય એવું તો બન્યા કરે છે...શક્યતાઓ બીજી ઘણી છે.

કોઈ ફરક નથી પડતો જ્યાં સુધી આપણને સારા અથવા ખરાબ હોવાનુ ફ્ળ નથી મળતું. સારા લોકો સારા ફળની અપેક્ષા રાખે જ છે અને ખરાબ લોકો ખરાબ ફળથી ડરતા નથી. આવું વર્ષો, દાયકાઓ, યુગો થી ચાલતું આવ્યું છે.
કયા ગામમાં રહેવું એ આપણે નક્કી કરવાનું છે.

ઘર છોડીને એક દિવસ રહેવાનું સામાન્ય માણસને ગમતું નથી. મને તો નહિ જ. મારા અમુક ફ્રેન્ડસ વડોદરા ભણવા આવ્યા છે અને હોસ્ટેલમાં રહે છે. અમુક ફેન્ડસ વડોદરાનાજ છે પણ આખોય દિવસ ઘરની બહાર જ હોય છે. મને એ બધાજ બોલે કે તું ઘરે કેમ હોય છે કશે બહાર કેમ નથી નીકળતો?

નાનપણથીજ એક વાતની ખબર હતી કે આ આપણા ગજાની વાત નથી. થોડા એક્સપરીમેન્ટ્સ, ચિત્રકામ, વાર્તાની ચોપડીઓ અને સમય મળે તો સ્કૂલનું લેસન કરવામાં બપોર નીકળી જતી. સાંજે રમવા જતો પછી આવીને ટીવી જોતાં જોતાં જમીને સૂઈ જતો. આજે બધા મિત્રોને જ્યારે દોડાદોડી કરતાં જોઉં છું તો નવાઈ લાગે છે.

હવે મુદ્દાની વાત. એક મિત્ર બેંગ્લોરમાં છે. ત્યાં જવું એની માટે મોટી વાત હતી. પણ ગયા પછી બધું સેટ થઈ ગયું. મારી બીજી એક મિત્રએ કહ્યું કે મારૂં ઘરતો દીલ્હીમાં છે, હું અમદાવાદ ભણું એના કરતા મુંબઈ જાઊં તો શું ફરક પડશે? એ એની બીજી ફ્રેન્ડ્સ જોડે અડધું ગુજરાત ફરી ચૂકી છે. મારા અમુક મિત્રો તો ફરવા માટે તૈયારજ હોય છે. અમુક લોકો સ્પોર્ટ શૂઝ પહેરીને કારમાંથી બહાર નીકળે છે તો ખબર નથી પડતી કે આ સાહેબ ક્યાં ફરીને આવ્યા હશે? હું અત્યારે શું કહેવા માંગુ છું એ મને જ સમજાતું નથી, પણ હાં, આનો અનુભવ તો વર્ષોથી થઈ રહ્યો છે. એને હું અત્યારે કહું છું "તૈયારી". કશેક પહોંચી જવાની તાલાવેલી, ના તાલાવેલી નહિં ઉચાટ! કેમકે મુકામ સુધી પહોંચવા માટે જ્યારી નીકળીએ છીએ ત્યારે આસપાસના લોકો તરફનો વ્યવહાર જરાક રૂક્ષ હોય છે. વધારે વિચારી શકાતું નથી. ઉતાવળે ખોટા નિર્ણયો લઈ પડાય છે, સ્વજનો-મિત્રોને દુઃખ અપાય છે. પોતાને જ નુકશાન થાય છે. જોકે ખરો આનંદ મુકામે પહોંચવામાં નથી પણ મુસાફરીમાં છે એવું મનાય છે. જ્યારે રોકાઈ જઈએ કે ઘરે પથારીમાં પડીએ ત્યારે ખબર પડે કે આપણે કેટલું ફર્યા અને એટલું ભટક્યા!

વળી પેલી અંદરની હદ તો એનું કામ કરે જ છે. આમ જો માની લઈએ કે કોઈ હદજ નથી, હદ મનનો વહેમ માત્ર છે...તો વળી મનને મોકળું લાગે છે. મુંબઈની ચાલીઓ, દીલ્હીની ગલીઓ, અમદાવાદની પોળો દેખાવા લાગે છે. પણ જો ત્યાંથી કોઈ દોસ્ત બોલાવે તો આજ દી સુધી જઈ નથી શકાયું! બાકી તો ચાલી, ચાલીના લોકો, દુકાનોને આસાનીથી માનસપટલ પર લાવી શકાય છે. પણ જો અમદાવાદ સુધી પણ જવાનું હોય તો અમેરિકા જવા જેટલો કંટાળો આવી જાય છે. બહારગામ કોઈના લગ્નમાં જવાનું, વેકેશન મનાવવા ગામ જવાનું વગેરે સહેજે સહેલું નથી લાગતું.

અમુક લોકો વિદેશ ગયા છે, અમુક બીજા શહેર જતા રહ્યા છે. આવતા વર્ષે હું ક્યાં હોઈશ એની ખબર નથી. ફોન પર જ્યારે સાંભળવા મળે આજે હું દિલ્હી, આજે બેંગલોર છું તો ભવિષ્યમાં મારે તો ત્યાં જવું નહિ પડેને એવા વિચાર આવે છે. વળી ક્યારેક થાય કે કાશ,આ બધું મારા માટે પણ સહેલું હોત, હું પણ મુસાફર હોત...

મારા સિવાય કોઈને હદમાં રહેવાનો રોગ છે ખરો?

2 comments:

 1. સૌ પ્રથમ આપને તેમજ આપના પરિવારને નૂતન વર્ષાભિનંદન !

  આપનો બ્લોગ ખૂબજ સુંદર છે !

  અભિનંદન !

  અશોકકુમાર - 'દાસ'

  http://das.desais.net

  ReplyDelete
 2. દીપકભાઇ... મને હદમાં રહેવાનો રોગ છે. મને પણ ક્યારેક થાય છે કે હું પણ મુસાફર હોત. મારે નાનપણ થી અત્યાર સુધી ક્યારેય ઘરથી ૧૫ km કરતાં વધારે દૂર કોઈ institute માં ભણવા નથી જવું પડ્યું.
  Primary education in my hometown.
  Secondary and higher secondary at Nadiad (7 km from my home).
  B.Sc. at Anand 13 km from home.
  M.Sc. at VVN 12 km from home.

  ક્યારેક ડર પણ લાગે છે. હવે ઘર છોડી ને જવું પડશે તો???

  ReplyDelete