સુખી કેમ થવું?

વળી પાછું મન સુખની પાછળ દોડ્યું? હજીયે સુખ જોઈએ છે?  મારા બ્લોગ ઉપર, એકાદ ધાર્મિક ટીવી ચેનલ પર, ધર્મગુરુઓની વાણીમાં અથવા ચોપડીના પાને તે કંઈ સુખની ચાવી મળવાની છે? મન...હજી તું સુખ પાછળ દોડશે તો હમણાં છેતરાયું એમ છેતરાતું જ રહેશે!

મનને મનગમતું તો થવાનું જ નથી  જ્યાં સુધી સાચો સમય અને યોગ્ય પરિસ્થિતી ઉભી નહિ થાય, પછી  ભલે ગમે એટલા ધમપછાડા કરો, બાધા-આખડીઓ રાખો, આઈડ્યા લગાવો, ઓળખાણ બતાવો, લાંચ ખવડાવો, ભગવાનને મસ્કો મારો, વૈષ્ણૌદેવી જાઓ, શીરડી જાઓ કે પછી હરિદ્વાર જાઓ.

શું ખરેખર સુખ જોઈએ છે? સુખના રસ્તે જ ચાલી રહ્યા છીએ ને? ખબર તો છે ને કે સુખ શું છે? પાક્કું? ૧૦૦%? પછી એવું ના થાય કે સુખ રસ્તામાં મળે અને આપણે એને ઓળખી પણ ન શકીએ! સુખ જોઈએ કે પછી પૈસા, પ્રેમ અથવા એશોઆરામ?  કેમકે આ બધી અલગ અલગ વસ્તુઓ છે. સુખ જોઈએ તો સુખના જ રસ્તે  જવું પડશે બીજા બધા રસ્તે નહિ. વળી એક સમયે એક જ રસ્તે/દિશાએ જવાશે. સુખ મળી ગયા પછી પૈસા માંગો તો નહિ મળે, પૈસા પામીને પ્રેમ માંગો તો નહિ મળે, પ્રેમ માંગીને પાછું સુખ માંગો તો નહિ મળે. બધું મળી જશે તો સુખની વ્યાખ્યા અને લેવલ ઓર ઊંચું જતું રહેશે!

બહુ વિચાર્યું તો માત્ર વિચારો જ મળ્યા... (જે સુખ તો ન જ આપી શક્યા!)
  • સુખ અને દુઃખ એ માનવમનની સ્થિતિ માત્ર છે.
  • સુખનું ના હોવું એટલે દુઃખ; એવું આપણું મન સમજી બેસે છે. 
  • મન હંમેશા સુખ જ ઈચ્છે છે અને મોટાભાગે આ જ કારણથી દુઃખી થતું રહે છે.
  • દુઃખના ડર અને કલ્પનાઓથી મન મોટા ભાગનો સમય દુઃખમાં જ વિતાવે છે, 
  • પોતાનું ઘર નહોતું એ મળ્યું, ગાડી નહોતી એ મળી, બેન્કમાં ખાતું નહોતું હવે ક્રૅડિટકાર્ડ મળ્યું, મોબાઈલ અને કોમ્યુટરના શોખ પુરા થયા. આ બધા સપના જ હતા ને? જે પુરા થયા પછી બધાએ સુખી રહેવાનું હતું, રહ્યા?
  • આપણને એ પણ ખબર છે કે આપણા કરતા દુઃખી મિત્ર કોણ છે છતાં આપણે પેલા સુખી દેખાતા દોસ્તોને જોઈએ છીએ.
  • સુખ કોઈ કાયમી પરિસ્થિતિ નથી. સગવડ, એશઆરામ, ભવ્યતાનું નામ સુખ નથી.
  • સુખ એક મંજીલ છે. જો મન સુખી નથી તો એવું સમજવું કે એને હજી ત્યાં સુધી પહોંચવાનો રસ્તો મળ્યો નથી. 
  • જો હમણાં મન સુખી નથી તો એનો અર્થ એ થયો કે એને એ ખબર નથી કે સુખ શું છે. તો પછી એવા સુખની કલ્પના કરીને દુઃખી કેમ થવું?
  • હજી પણ જો સુખ જોઈતું હોય તો કહો કે વિતેલા વર્ષોમાં સુખ નહોતું મળ્યું? ક્યાં ગયું એ? ક્યાં સાચવીને રખાયું? વીતી ગયું ને? આંખોની સામેથી નીકળી ગયું ને? હજી પણ જો સુખ આવશે તો સાચવીને રખાશે?
હા...એક પરિસ્થિતિ છે જે કાયમી છે. જે મનની શાંતિ અર્પે છે. સુખ ન હોવા છતાં સુખની પ્રતિતી કરાવે છે. એ અહેસાસનું ગુજરાતી નામ સંતોષ છે. જેટલું મળ્યું એટલામાં રાજી રહેવું એટલે સંતોષ, વધારાની ઈચ્છાઓ ન રાખવી એનું નામ સંતોષ. જીવન માટે સહુથી મોટી જરૂરિયાત સંતોષની છે, નહિ કે સુખની! છતાંય જો સુખની પાછળ દોડવું જ હોય તો બેસ્ટ ઓફ લક મનવા!

2 comments:

  1. સુખ નો વિચાર એજ દુખ નું નિમંત્રણ છે

    ReplyDelete
  2. Dipakbhai Thank U, Ek dam saras vichar 6, sache j jivan ma utarva jevo 6

    ReplyDelete