મિશન ઈમ્પોસિબલ

મિશન ઈમ્પોસીબલ - ૪   


બે વર્ષ પહેલાં એક દાઢ ખરાબ થઈ ગયેલી. એ સમયેથીજ ડાબી બાજુએથી ચાવવાનું છોડી દીધેલું. ઘણી સાફ-સફાઈ, કચરા-પોતું અને તકેદારી છતાંય ડર લાગતો હતો કે ક્યારેક ને ક્યારેક તો દવાખાને જવું જ પડશે.
વર્ષ પહેલાં ડાબી દાઢે પણ દગો દઈ દીધો. જોકે ત્યાં દુખાવો થતો નહોતો. પણ ખોરાકનો દશાંશતો એમાં ભોગ તરીકે ભરાઈ જ જતો. હવે તો ચોક્ક્સ દવાખાને જઈશ અને અને આ બંનેવ દાઢોનું સમારકામ કરાવીશ એવી બ્રહ્મપ્રતિજ્ઞા લીધી.
પણ કળિયુગમાં આવી બ્રહ્મપ્રતિજ્ઞાઓની પાછળ પહેલી નજરે ન દેખાય તેવી ફુંદડીઓ તો હોવાની જ! એની જોડે શરતો, નિયમો આપણી સવલતો/અનુકુળતા અનુસાર લખેલાં જ હોય છે. આથી બ્રહ્મપ્રતિજ્ઞા દિવાળી સુધી ઠેલાઈ. દરમિયાન રસ્તે આવતા-જતાં દવાખાનાઓ ઉપર નજર ફરતી રહેતી.
હવે હદ ત્યારે થઈ જ્યારે બે વાર બ્રશ અને જમીને બે-ચાર વખત કોગળા કરવા જેવા નિયમો છતાં ત્રીજી દાઢ દુખવા માંડી! મારે તો દવાખાને જવાનું જ હતું પણ આ ઝટકો જરા વધારે પડતો હતો! હવે ખબર પડી કે એ દાઢને ડહાપણની દાઢ કેમ કહે છે!
ખેર વધુ ડીટેઈલમાં ફરી લખીશ.
મિશન ઈમ્પોસીબલ ૪ શરૂ થઈ ગયેલ છે!
કાલે સવારે પહેલી સીટીંગ છે...દિલ ધડક ધડક થઈ રહ્યું છે
(૨૮.૧૧.૧૩)


જેટલો હું નહિ કંટાળ્યો એટલા અમારા ડેન્ટિસ્ટ કંટાળી ગયા હશે! કેમકે સર્જેરી વખતે અને ડ્રેસીંગ માટેની સીટીંગ દરમિયાન હું વારંવાર 'દુખશે તો નહિને?' એવું પૂછતો રહેતો! જોકે મારા સવાલો અને હાવભાવ ઉપરથી મારા ડરપોકપણા વિશે ડોક્ટર પહેલીજ મિટીંગ જ જાણી ગયા હતા! ખરેખર! પણ મારા ડેન્ટીસ્ટ ઘણા જ ધીરજ ધરાવતા હતા. દાઢ કઢાવતા સહેજ સ્નાયુ ખેંચાતા કાન બાજુએ ખેંચાણ થતું. બાકી દવાખાનામાં કોઈજ તકલીફ થતી નથી. ખોટેખોટો હું આટલો ડરતો હતો! દોસ્તો અને પરિચિતો અમુક વખત ખોટ્ટા ભરમાવે છે. એ બધા આપણને સારી રીતે જાણે છે એ વાત તો બરાબર પણ શું એ લોકો આપણા દાંત વિશે આપણા અથવા ડેન્ટીસ્ટ કરતાંય વધુ જાણે છે? એમની જાણકારી અને અનુભવ કરતાં મારો અનુભવ તદ્દ્ન અલગ રહ્યો.
એક ખરાબ દાઢને ખોતરીને એમાં દવા ભરી દેવામાં આવી છે. ખેર હવે ફક્ત રૂટ કેનાલને ડ્રેસીંગ, ફિલીંગ અને ઉપર કેપ બેસાડવાની બાકી છે.
લિક્વીડ ડાયેટમાં હમણાં રાબ (ઘઉંનો પાતળો શીરો જ સમજો!) ચાલે છે. હમણાંની પેઢીની પ્રથા પ્રમાણે પોતાને આ બહાદુરી દાખવવવા બદલ (માનસિક) શૌર્યચક્રની પદવી આપવામાં આવી રહી છે. આ ઉપરાંત ખુદને નવું એલઈડી મોનિટર અને ઓ.એલ.એક્સ. પરથી જુનો એન્ડ્રોઈડ મોબાઈલ લઈ આપવાનું વિચાર્યું છે!
આ શૌર્યકથામાં હાસ્યરસ જોઈએ એટલા પ્રમાણમાં નહિ હોય...કેમકે મિશન જ એવું હતું. તેમ છતાંયે આ સમયગાળામાં કેટલાક વિચારો અને પરિવર્તનો આવ્યા.

 • શરીર ખરેખર નશ્વર છે!
 • શરીરનો અને એના અંગ-ઉપાંગોનો મોહ પાંચેક વર્ષ માટેનો જ હોય છે.
 • ઘરવાળાઓને અને મિત્રોને પ્રેમ જતાવવાનું ચાલુ કર્યું! કંઈ નહિ તો છેવટે બધાને ફોન કરી લીધા!
 • મુસીબત સમય માટે પૈસા સાચવી રાખવાનો મારો બેકઅપ પ્લાન કારગત નીવડ્યો.
 • બીજી કોઈ શારીરીક તકલીફ ન થાય એ કાળજી રાખવાના પ્રથમ પગલા પ્રમાણે રોજ સવારે દોડવા જવાનું ચાલું કર્યું છે. આપણે ભલે કાર્તિકભાઈ મિસ્ત્રી જેટલું નહિ દોડાય પણ...થોડું-ઘણું.
 • નેટ ઉપર દાંત વિશેના કેટલાય આર્ટીકલ (અફકોર્સ ગુજરાતીમાં) વાંચી નાખ્યા.
 • દંતાવલીનું આયુષ્ય વધારવા આયુર્વેદીક ઉપચારો/નુસ્ખા વગેરે ચાલુ કરવાનો વિચાર છે.

(18.12.13)મિશન ઈમ્પોસીબલ - ૩   

(ડ્રીમ પ્રોટોકૉલ)

મિશનની છુપી શરૂઆત બે વર્ષ પહેલા થઈ ગઈ હતી. મિશન હતું મારી માટે પરણવા લાયક એક છોકરી શોધવાનું. પપ્પા ફોન ઉપર મારાથી છુપાવીને વાતો કરતા રહેતા. હું ઘણી વખત એમને બોલતા સાંભળતો કે કોઈ યોગ્ય પાત્ર હોય તો કહેજો. હું શું કરવું/ના કરવુંની અવઢવમાં રહેતો. પરણવાનો ડર છોકરાઓને પણ હોય છે હોં કે! જોકે આ વર્ષે મને એક નોકરી મળી જતાં મેં આ વર્ષે લગ્નની હા પાડી દીધી; અને આ મિશન તાબડતોડ જગજાહેર થઈ ગયું! હું જ્યાં જાઉં ત્યાં મને વધેરવાની જ વાતો ચાલતી હતી, અથવા મને એવો વહેમ રહેતો.

મારે અત્યાર સુધી કોઈ ગર્લફ્રેન્ડ નહોતી બની અને બીજું કોઈ લફરું પણ નહોતું. એટલે પત્ની વિશે મારો ક્રાઈટેરીયા થોડો હાઈ થઈ ગયો હતો. શહેરની છોકરી જોઈએ, ગોરી-ઉંચી-પાતળી હોવી જોઈએ વગેરે. પણ બે વર્ષ વીતી ગયા બાદ મેં ધીમેધીમે હાર સ્વીકારવાની શરૂઆત કરી લીધી. જેવી હોય એવી ચાલશે એવું કહેતાની સાથે બધા ઓળખીતાઓએ પોતાનો પ્રયાસ મારા માટે કર્યો. એમને જેટલો ધન્યવાદ કરૂં એટલો ઓછો છે.

હું કોઈ હીરો નથી, અને એ વાતની ખાત્રી મને હજી સુધી થઈ નથી. એટલે ક્યારેક હવામાં ઉડતો હોઊં અને ક્યારેક જમીન ઉપર સાઈકલ દોડાવતો હોઊં. પણ મનમાં એક જ વાત હતી કે હું 'એને' એક જ નજરમાં ઓળખી જઈશ. ઉપવાસ, મંદિર અને ફિલ્મી સેડ સોંગનો કેટલો બધો મોટો સહારો અમારા જેવાને હોય છે એ તો અમે જ જાણીએ છીએ!

થોડીક છોકરીઓ જોઈ, થોડીકના ફોટો જોયા. એમને ના પાડી એ બધા દિવસે હું ગડમથલમાં જ રહ્યો. હું જો એમનામાં મારી 'હીરોઈન' ન જોઈ શકું તો? આ ડર હંમેશા સાથે હતો. મારા ઉત્સુક મિત્રો મને લગ્નની સલાહ આપી રહ્યા હતા એ બધા પોતે જ પરણી ગયા હતા! મારો વિશ્વાસ સપનાઓ ઉપરથી ઉઠી રહ્યો હતો. આ વર્ષના મે મહિના પછી ઘરના જ્યેષ્ઠ પુત્રના લગ્ન વર્જીંત છે એમ પપ્પાએ જણાવેલું. એટલે જાન્યુઆરીના દરેક રવિવાર છોકરીઓને જોવામાં વિત્યા. છેલ્લે હારીને હું આવતા વર્ષે પરણવાના નિર્ણય ઉપર આવી ગયો.

વચ્ચે એકાદ વખત મારા મામાનો ફોન પણ આવ્યો હતો, એ પણ કોઈક છોકરી બતાવવાના હતા. છેક વલસાડ જઈને છોકરી જોવી એ હવે કોઈ મોટી વાત રહી નહોતી. એટલે હું ગાડીમાં અટવાતો ગયો.

મિશન શરૂ...ઢેણેન ટેણેન..

૧૯ ફેબ્રુઆરી. સમય ૧૧.૦૦ ની આસપાસ. અમે વલસાડ અને ત્યાંથી ચીખલી બસ ડેપો સુધી ગયા. ડેપો ઉપર હું અને પપ્પા મારા બીજા અનુભવો અને ઓપ્શન વિશે ચર્ચા કરી રહ્યા હતા. એમ પણ મેં મારા ઘણા સપનાઓ જોડે કોમ્ર્પો કર્યો હતો એટલે આ બાબતે પણ કરવો પડે એ વિશે મન સમજાવી રહ્યું હતું. મામા પોતાની બાઈક ઉપર આવ્યા અને હું-પપ્પા અને મામા એમ ત્રણેય જણ ટ્રીપલ નીકળ્યા!

એક કાચું-પાકું ઘર અને ફરતે ઘણા બધા સુંદર ફુલ. હું બેઠો અને થોડીક ઔપચારિક વાતો થઈ. હું સમય જોઈ રહ્યો હ્તો. છોકરીના મામા સામે બેઠા હતા. મારા પપ્પા અને મારા મામા પણ એમની જોડે જ બેઠા હતા. ૧૨.૨૦ થયા હતા. તરસ લાગી હતી. હું કેલેન્ડરના ઉડતા પાના જોઈ રહ્યો હતો. ખબર નહિ કેવી છોકરી હશે? મારું શું થશે? મેં કેટલી બધી રાહ જોઈ હતી? આવતા વર્ષે પરણું? આ છોકરી સારી હોય તો આજે જ હા પાડી દઉં? મારી પાસે બીજા કેટલા વિકલ્પો છે? આવા સવાલ હું પોતાને પૂછી રહ્યો હતો. મમ્મીને તો હું ઘરેથી કહીને જ નીકળ્યો હ્તો કે આ છેલ્લી છોકરી છે. પછી તો હું આવતા વર્ષે જ જોવા જઈશ. આ વર્ષે નહિ. પણ આવતા વર્ષે મારે આનાથી પણ વધારે કોમ્પ્રોમાઈઝ કરવા પડશે! જેમને મેં ના પાડી છે એ છોકરીઓ પણ પરણી જશે! આવી શક્યાતા હું વિચારી રહ્યો હતો. એટલામાં ઘરના ઓરડામાંથી કોઈક છમ્મ છમ્મ કરતું નીકળ્યું. મેં સામે જોયું તો કશી ખબર ન પડી. એ છોકરી ફરી અંદર જતી રહી. મારા મોં ઉપર અચાનક જ સ્મિત આવી ગયું જે રોકતા પણ ન રોકાયું. પછી ફરી વાતોનો દોર ચાલ્યો. એ છોકરી ફરી વાર નાસ્તો આપવા આવી અને હું આ વખતે એમને બરાબર જોઈ શક્યો.

થોડી વારે અમે જરા બહાર નીકળ્યા. ફુલોના ક્યારા પાસે જઈને મને મામાએ મને પૂછ્યું, "છોકરી કેવી લાગી?"
મારા મોંથી અચાનક જ નીકળી ગયું, "આ છોકરી પહેલા કેમ ના બતાવી?" વર્ષોથી પ્રેમ અને પ્રેયસી/પત્ની વિશે વિચારૂં છું, લખું છું, ગાઉં છું, અનુભવું છું, શોધું છું...અને એ દસ જ મિનિટમાં બંને પક્ષો તરફ થી હા થઈ ગઈ, અને અમને એકબીજા જોડે વાત કરવાની પણ જરૂર ન લાગી!

રસ્તે ખ્યાલ આવ્યો કે મેં છોકરીનું નામ પણ નથી પૂછ્યું! પપ્પાએ કહ્યું કે જો સેઈમ ગોત્ર હોય તો લગ્ન નહિ થાય માટે એ પણ જાણવું પડશે. સાંજે સાત વાગે ફરી મામાનો ફોન આવ્યો અને આખો રસ્તો ક્લીયર થઈ ગયો.

આ અઢારે ચાંલ્લો/સગાઈ હતી. આવતી એપ્રિલ ૧૪-૧૫ લગ્ન છે. વડીલો....આશિર્વાદ જરૂર આપજો!

મિશન ઈમ્પોસિબલ - ૨

જોબ જોઈન કરી ત્યારે એમ કે બેરર ચેક મળતો હશે. પણ માસના અંતમા ખબર પડી કે બેંકમાં ખાતું હોવું જરૂરી છે. મારૂં હજી સુધી કોઈ બેંકમાં ખાતું નથી. એક જાણીતી બેંકમાં સેલેરી એકાઉન્ટ ખોલવું ફરજીયાત હતું. મારા પગારનો ચેક ઓફિસમાં જ રહેવા દઈને હું નોકરીના કામમાં વળગ્યો.

જે દિવસએ ઈન્ટર્વ્યુ વખતે પગાર નક્કી થયેલો, ઘરે આવતા આવતા અમુક વસ્તુનું મનમાં લિસ્ટ બનાવી લીધેલ. નવા ચશ્મા, નવા ઓફિસવેર શૂઝ, પાકીટ, કોલેજ બેગ, મારા પીસીનો પ્રોસેસર ફેન, લગભગ ૮૦જીબી સેકેન્ડ હેન્ડ હાર્ડડિસ્ક અને માઉસ. વિચારેલું કે અડધી વસ્તુ આ મહિને તો અડધી આવતા મહિને લઈશ.

મારી ઓફિસમાં બેંકનો એજન્ટ આવ્યો. મિશન શરૂ....ઢેણેન ટેણેએએએએએન.

મારી પાસે ડોક્યુમેન્ટ તૈયાર હતા. ફોર્મ ભરીને જ્યારે પેલા ભાઈએ મારૂં ચૂંટણી કાર્ડ જોયું તો નામમાં સ્પેલિંગ મિસ્ટેક હતી. એણે બીજું આઈડી પ્રૂફ માંગ્યું પણ મારી પાસે એ નહોતું. ડ્રાઈવીંગ લાઈસન્સ ખોવાયે ચાર વર્ષ થઈ ગયા હતા. એટલે પેલા એજન્ટે મને ઝાડ-પાન કાર્ડ...સોરી પાન કાર્ડ કઢાવી લેવાની સલાહ આપી.

એક મહિનાના અંતે મારી પાસે પાન કાર્ડ આવી ગયું. એક નવો એજેન્ટ ફરી ઓફિસમાં આવ્યો. ગયા મહિને મારા જેવા જેટલા અભાગિયા એકાઉન્ટ વિનાના રહી ગયા હતા એ બધાની લાઈન પડી. હું હોંશે હોશે પાન કાર્ડ અને ઝેરોક્ષ લઈને ઉભો હતો. મારો નંબર આવ્યો એટલે મારૂં લાઈટબિલ રહેઠાણ પૂરાવા તરીકે માંગ્યું. મારી પાસે ગયા મહિનાથી ઝેરોક્ષ તૈયાર હતી. એ જ્યારે મેં બતાવી તો કહે કે લાઈટબિલ ત્રણ મહિનાથી જુનૂં ન ચાલે. હું ગું ચવાયો. ઘરે જઈને તો લાઈટબિલ લાવવાનો સવાલ જ નહોતો. મારૂં ઘર ખાસ્સું દુર, અને બાઈક વગેરે પણ નથી. ખેર બીજા દીવસનો વાયદો કરીને એજન્ટ ગયો.

બીજા દિવસે હું નવું લાઈટબિલ લઈને ગયો. એજન્ટે તપાસીને ફોર્મ ભરી લીધું. પાસબુક, ડેબિટ કાર્ડ વગેરે આપી દીધા. તે રાત્રે ઘરે આવીને ખુશી ખુશી મમ્મી-પપ્પાને ડેબિટ કાર્ડ બતાવ્યું. બે ચાર દિવસોમાં એસએમએસ આવી ગયો. બેંકવાળા મારા ઘરે ઈન્ક્વાઈરી પણ કરીને ગયા. તે જ દિવસે બેંકમાંથી મને ફોન આવ્યો કે તમારી જન્મતારીખમાં કશી ગરબડ છે. ઘરેથી મારા ડોક્યુમેન્ટ્સ બતાવ્યા ત્યારે ખબર પડી કે પેલા એજન્ટે તારીખ લખવામાં ભુલ કરી હતી. એના બીજા દિવસે ખબર પડી કે ફોર્મ રીજેક્ટ થયું છે અને ફરીથી ભરવું પડશે.

આટલી પળોજણમાં બીજો મહિનાના પગારનો ચેક પણ આવી ગયો હતો! હું આ વખતે બધા ડોક્યુમેન્ટ લઈને સીધો બેંકમાં જઈને પેલાને મળ્યો. ફરી ફોર્મ ભરાવ્યું. પેલી પાસબુક અને ડેબિટકાર્ડ જમા કરાવવા પડ્યા. મારી ઓફિસ ત્યાંથી થોડે દુર પણ હું ચાલતો ચાલતો ઓફિસ પહોચ્યોં અને ફોન આવ્યો કે તમારા સેલેરીના બે ચેક અહીં પાસબુક માં પડ્યા છે. મને થયું કે ઘરે ચેક જોઈને મમ્મીએ પાસબુકમાં મુકી દીધા હશે. મેં સાજે આવવાનું કહીને કામે વળગ્યો. સાંજે બેંક બંધ થાય એની દસ મિનિટ પહેલા જ જઈને હું ચેક પાછા લઈ આવ્યો.

પાંચ દિવસે આજે ફરી ફોન આવ્યો કે મેં જે Bsnlનું બિલ રહેઠાણ પૂરાવા તરીકે આપેલ એ નહિ ચાલે કેમકે એ ઈન્ટરનેટનું બિલ છે. ઓકે, અગેઈન માય મિસ્ટેક. મેં ફોન કરીને ઘરેથી લાઈટબિલ મંગાવ્યું. સદનસીબે એમાં સરનામું વાંચી શકાય એવું પ્રીન્ટ જ નહોતું થયું. બહુ જ આછું છપાયેલું હતું. મે પેલા એજન્ટને ઓરિજીનલ આપવાની તજવીજ કરી પણ એણે જાતે જ વધારે ડાર્ક ઝેરોક્ષ કાઢી છે અને થોડા દિવસ રાહ જોવાનું કહ્યું છે. કેમકે કાલે ઈદ અને બીજા દિવસે ગણેશ ચતુર્થીની રજા છે. ફરી ઓફિસ પહોંચતા તો વરસાદ શરૂ થઈ ગયેલો અને હું થોડો ભીંજાઈ ગયો. ઓફિસમાં ફુલ એસીમાં બેસીને થોડી વાર ઠંડી સહન કરી.

ખબર એ પણ પડી કે ત્રણ મહિના જુના ચેક એક્ષ્પાયર થઈ જાય છે. મારો એક ચેક કદાચ મરી જશે. ઓફીસમાંથી બેંકમાં જવાની રજા માંગવાની, કદાચ કોઈ એ તરફ જવાનું હોય તો લિફ્ટની આશા રાખવાની, ઝેરોક્ષ કઢાવવા છુટ્ટો રૂપિયો ન હોવો, ઓફિસના એકાઉટન્ટને પરિસ્થિતિનું વર્ણન કરવું, દોસ્તોની આપવાની પાર્ટી મોકૂફ રાખવી...ઘણી બધી પરિસ્થિતિ ન ગમી. જોકે એક બીજી બેંકમાં સેવીંગ એકાઉન્ટ ખોલાવવા ફોર્મ લઈ રાખ્યું છે. પણ ત્યાં જવાનો સમય મળતો નથી. કાલે અને પરમદિવસે બેંક બંધ છે, આવતી બીજી એ જઈશ.

મિશન હજી પૂરૂં થયું નથી.

(કામ પુરૂ થઈ ગયું છે,  બાધા/આખડી વગેરે પુરી કરી નાખી છે!)

મિશન ઈમ્પોસિબલ - ૧

નવી નોકરીથી ઘરે આવીને ઝટપટ પાછું ભાગવું પડ્યું. સિમકાર્ડ ગઈકાલથી ખરાબ થઈ ગયું હતું. મોબાઈલ ગમ્મે એટલો મોંઘોદાટ હોય. પચ્ચીસ રૂપિયાના સિમકાર્ડ વગર નકામો છે એ બ્રહ્મજ્ઞાન થયું. બેન્કમાં સેલેરી એકાઉન્ટ ઓપન થયું કે નહિ એનો કન્ફરમેશન મેસેજ આવવાનો હતો. ઘરે રક્ષાબંધન કરવા માટે મહેમાન આવ્યા હતા. બીજા દિવસે રક્ષાબંધન, પછી રવિવાર અને સોમવારે ૧૫મી ઓગસ્ટ એમ એકસામટી ત્રણ જાહેર રજાઓ હતી. આટલા દિવસ મોબાઈલ બંધ રહે એ પોસાય એમ નહોતું. મોબાઈલ આટલો બધો જરૂરી ક્યારથી બની ગયો હતો!

રીમઝીમ વરસાદમાં બાઈક ભાગી. જરૂરી ડૉક્યુમેન્ટ્સ લઈને વોડાફોનની ઑફિસે પહોચું એની પહેલા સાડા આઠ થઈ ગયા હતા. એકેય ગ્રાહક નહોતો. માત્ર બે મિત્રો કશી પૂછપરછ કરી રહ્યા હતા. મને એમ કે કામ થઈ જશે.....

મિશન શરૂ....ઢેણેન ટેણેએએએએએન.

આપણી સેવામાં હંમેશા તત્પર એવા પેલા ભાઈએ જરૂરી તપાસ આદરી. કાર્ડનો નંબર, મારૂં નામ વગેરે. કાર્ડ કોના નામથી રજીસ્ટર્ડ છે એ પણ પૂછ્યું. જ્યારે મે મારૂં નામ કહ્યું તો પેલા ભાઈ કહે કે આ કાર્ડ તો બીજા કોઈના નામ ઉપર છે! હું વળી ચોંક્યો. પછી યાદ આવ્યું કે ચારેક વર્ષ પહેલા કાર્ડ ખરીદેલું એટલે કદાચ પપ્પાના નામે હશે. એમનું નામ કહ્યું એટલે પેલા ભાઈએ ડોક્યુમેન્ટ્સ માંગ્યા. હું તો મારા ડોક્યુમેન્ટ્સ લઈ ગયેલો! એટલે એ વળી ન ચાલ્યા. પેલા ભાઈએ કહ્યું કે પપ્પાનું આઈ ડી પ્રુફ અને લાઈટબિલ લઈ આવો એટલે નવું સિમકાર્ડ આપી દઉં. મેં ઘડિયાળ જોયું એટલે પેલા ભાઈએ કહ્યું કે ચિંતા ના કરશો, ઓફિસ નવ વાગ્યા સુધી ખુલ્લી રહે છે. તમે સવા નવે આવશો તો પણ ચાલશે.

હું નવ આશા સંચારિત થઈને ઘરે ભાગ્યો. ઘરે જઈને મમ્મીની ગાળો ખાધી, વઢ્યા કે આટલી બુમો પાડી તો પણ રેઈન કોટ કેમ ના લઈ ગયો? પપ્પા ઘરે જ હતા. એમના ડોક્યુમેન્ટ લીધા. એક ઝેરોક્ષ કરાવવી પડે એમ હતી. ચાર રસ્તે એક ઝેરોક્ષવાળો ખરો. બાઈક ત્યાં જ ઉભી રહી. પેલા ભાઈને ઝેરોક્ષ કરવા કાગળ આપ્યો. એ ભાઈએ મશીનનું શટર ઉંચક્યું... અને મેં ખીસ્સામાં હાથ નાખ્યો. અરે યાર... પાકીટ તો ઘરે જ ભુલી ગયેલો. મેં બુમ પાડી કે ઝેરોક્ષ રહેવા દો, પાકીટ નથી. તો પણ પેલા ભાઈએ ઝેરોક્ષ કાઢી આપી. મારે નવા સિમકાર્ડના પૈસા આપવા પડે એમ હતા એટલે વળી ઘરે ભાગ્યો. ઘરેથી પાકીટ લઈને પેલા ચાર રસ્તે એક રૂપિયો આપવા ગયો. દુકાન બંધ હતી પણ ભાઈ બાજુના ગલ્લા પર ઉભા હતા.

ખેર, ત્યાંથી ગાડી ભાગી સીધી વોડાફોનની ઓફિસ સુધી. વોચમેને રોક્યો, કહે કે ઓફિસ બંધ થઈ ગઈ. મેં વળી કહ્યું કે મારે ફક્ત ડોક્યુમેન્ટ જ આપવાના છે. અંદર ગયો એટલે પેલા ભાઈ જવાની તૈયારીમાં હતા. મેં ઝેરોક્ષ બતાવી તો મારી પાસે પપ્પાનો ફોટો માંગ્યો. બસ્સ...મેં પણ તમારી જેમ પાછલા ડાઈલોગ્સ યાદ કર્યા કે આણે ફોટો ક્યારે માંગ્યો હતો? ખેર, માઈ મિસ્ટૅક. આતો કોમર્સ-સાઈન્સ સોરી...કોમન સેન્સ છે.

હવે કોઈ ઉપાય નહોતો. કોમ્યુટર જોડે ત્રણ દિવસ મોબાઈલ અસ્વસ્થ અવસ્થામાં પડી રહ્યો. જેમ દર્દીને બોટલ ચઢે એમ એકાદ વખત ચાર્જિંગ ચઢાવેલું ખરું.

ત્રીજા દિવસે નોકરી ગયો. પપ્પાના ઓફિસ જતા રસ્તામાં જ વોડાફોનની ઓફિસ આવે એટલે આ કામ પપ્પાને સોંપેલું. સાંજે ઘરે આવ્યો ત્યારે મોબાઈલ ચાલુ થઈ ગયો હતો.

(મારી જોડે ઘણી વખત આવું જ થાય છે, લોકો કહે છે કે આત્મવિશ્વાસ રાખો, હકારાત્મક અભિગમ રાખો. આવા સંજોગોમાં હું બહુજ સંયમથી કામ લઉં છું, પણ કામ થતું નથી. એટલે જ તો આવા સંજોગોનું નામ રાખ્યું છે... મિશન ઈમ્પોસિબલ. અત્યારે વળી  બેંકના કામમાં ગુચવાઈ ગયો છું. મિશન ઈમ્પોસિબલ-૨ હમણાં લખું કે પુરૂં થાય પછી?)

5 comments:

 1. “કોમ્પ્યુટર જોડે ત્રણ દિવસ મોબાઈલ પડી રહ્યો. જેમ દર્દીને બોટલ ચઢે એમ એકાદ વખત ચાર્જીંગ કરેલું....”

  બહુ સુદર ને સચોટ ચિત્ર આપ્યું છે. વર્ણનમાં ચિત્રાત્મકતા ભળે એટલે પછી તો મજા જ પડી જાય. બાઈકનેય તમે સજીવ બનાવી દીધી છે ! બાઈક ત્યાં જ ઊભી “રહી”...ગાડી ત્યાંથી “ભાગી’...વગેરે.

  ઊભી “રહી’ ને બદલે “રાખી” લખ્યું હોત કે ભાગી ને બદલે ભગાડી લખ્યું હોત તો બાઈક સજીવ ન બનત.

  બહુ જ મજા આવી.

  ReplyDelete
 2. કિશોરસાહેબ, આપે ખુબ ધ્યાનપૂર્વક વાંચ્યું લાગે છે...બંને માટે આપનો ખુબ ખુબ આભાર! એક તો બ્લૉગ પર પધારવા અને બીજું કોમેન્ટ આપવા બદલ!

  ReplyDelete
 3. ખૂબજ સુંદર... છણાવટ સાથે મૌલિકતા ...

  આનંદ થયો... ધન્યવાદ.

  ReplyDelete
 4. saras. very good. 14-15 April , nice , all the best.

  I liked all three missions.

  ReplyDelete
 5. અશોકજી અને મેહુલજી....ધન્યવાદ!

  ReplyDelete