મૃત્યુદ્વંદ


ઘરડું શરીર. કેટલી બિમારી ઘર કરી ગઈ હતી એ ખુદને જ ખબર હતી. છતાં...છતાં આ શરીર છોડવા મન ઈચ્છતું નહોતું. આખરે તો જીવ જ છે ને. કોઈ વસ્તુ આંખ સામે આવી જતા પાંપણ કેવી બંધ થઈ જાય છે! ભલેને મન ગમે એટલું નિર્મોહી હોય, શરીર ગમે એટલું દગાબાજ હોય...જીવ છુટતો જ નથી. બસ જીવવું જ છે. મનજી બસ આમજ જીવી રહ્યો હતો...બીજો કોઈ રસ્તો નહોતો. પણ જ્યારે ડૉક્ટરે ના પાડી દીધી તો મનજી ડરી ગયો. આટલો ડર તો ક્યારેય નહોતો લાગ્યો. મનજી પોતાના છોકરા ને બીજા સરકારી દવાખાને લઈ જવાની જીદ્દ કરવા લાગ્યો. છોકરો કંટાળ્યો હતો. એની વહુએ ડોળા કાઢવાના શરૂ કરી દીધા હતા. ઉપરથી પેલો ડર તો પાછળજ પડી ગયો હતો. ગમે ત્યારે આવીને ધ્રુજારી લાવી દેતો. રાતે ઉંઘમાંથી ઝબકીને જાગી જવાતું. જાણે ચાર જણ ઉંચકીને લઈ જતા હોય એમ પલંગ વર્તન કરતો જણાતો.

આટલી જીંદગી જીવી લીધા પછી પણ મોહ છે કે છૂટતો નહોતો, ખબર નહિ કેમ પણ જીવવું હતું. જીવવું જ હતું. સગાઓમાંથી એકાદ-બે સિવાય કોઈ ખબર કાઢવા આવ્યું નહિ ત્યારે તો ખુબ જ લાગી આવ્યું. જીંદગી તો ઠીક, પણ મોતનીયે આટલી જ કિંમત? મનજી...નામ લેવાતું ત્યારે મન કેવા ઉછાળા મારતું! કેટલા પરાક્રમો કર્યા, શું શું ધાડ મારી હતી એ બધું યાદ આવી રહ્યું હતું. પણ હવે ઘરડા મનજી તરફ કોઈ બીજું જોતું નહોતું. અરે વાત સુધ્ધાં કરવાનો કોઈની પાસે સમય નહોતો. ઘણી વખત લાગતું કે પોતે જીવે છે એની કોઈનેય ખબર નથી, મનજી અદ્રશ્ય થઈ ગયો છે.

હવે તો મનજી કંટાળ્યો. મરવાનું જ છે ને! મરીશું પોતાની મરજીથી. વહેલી સવારે ઉઠી ગયો. ઠંડુ પાણી નહાવાતું નહોતું અને વહુ ગરમ પાણી કરી નહોતી આપતી. મનજીએ મોઢું ધોઈને અરીસામાં જોયું. કોઈ ડોસાનો ચહેરો દેખાયો. મૃત્યુથી ડરેલો. મનજી ખરેખર હસી પડ્યો! પોતાની જુવાનીનો ચહેરો યાદ પણ નહોતો. કેમકે જ્યારેથી એ ડોસો થવા લાગેલો ત્યારથી અરીસો વધારે જોવા લાગ્યો, અને એજ ચહેરો એને યાદ રહ્યો. સફેદ વાળ અને કરચલીઓ. બસ કરચલીઓ. સવારે સાડા છ વાગે મનજી ચાલવા નીકળ્યો. વહુ એને જોઈને કંઈક બબડી. બગીચા તરફ ચાલતા ચાલતા એણે ચારેતરફ જોયું કે કોઈ એને જોઈજ નથી રહ્યું. અજીબ છે! કેટલા મહિનાઓ પછી પોતે આટલે દુર આવ્યો છે, છેક નાકે...છતાં કોઈને કંઈ જ પડી નથી! પછી હસ્યો પોતે જુવાન હતો ત્યારે કયા બુઢ્ઢા જોડે બે મિનિટ વાતો કરી હતી!

સવારની પહોરમાં મોતનો ડર બહુ ફીક્કો લાગી રહ્યો હતો. પણ મનજીને એના એક દોસ્તનું મૃત્યુ યાદ આવી ગયું જે આવી જ સવારે થયું હતું, અને મનજી માટે જાણે પાછી રાત પડી ગઈ હોય એમ ભારે નિશ્વાસ નંખાઈ ગયો. એને કોકનો ધક્કો વાગ્યો અને દોડીને જતા એ યુવાનની પીઠ માત્ર મનજી જોઈ શક્યો. જીન્સ અને બ્લેક જેકેટ. "એ ડોહા, સાઈડમાં મર." કરતાકને એક બીજો યુવાન એને ખભે અથડાઈને પેલા પાછળ દોડ્યો. પહેલો યુવાન ગલીની દીવાલ કુદી ગયો અને પાછળ પેલો બીજો પણ કુદી ગયો. મનજીને લાગ્યું કે કંઈક મારામારી, ઝગડા જેવું હતું. હશે કંઈ. પણ મનજીનો કોઈએ ડોસા કીધાની કડવાશ આખો દિવસ મનમાં જ રહી.

બીજી સવારે મનજી ધીમે ધીમે બગીચે પહોચ્યો. એક ખાલી બાકડે બેઠો, પોતાના ચશ્મા કાઢીને સાફ કરી રહ્યો હતો કે કોકના આવવાનો એક અવાજ સંભળાયો. મનજી ચશ્મા પહેરે એની પહેલા..."સાલા બુઢ્ઢા કાલે તારા લીધે પેલો બચી ગ્યો, તું વચ્ચે ના મર્યો હોત તો પેલો પકડાઈ જાત" બરાડીને ગઈકાલવાળો યુવાન ચાલતો થયો. મનજી જલ્દી જલ્દી ચશ્મા પહેરીને પેલા યુવાનની પીઠ જોઈ રહ્યો


સવારે ચાલવા નહોતું જવાયું એટલે સાંજે કંટાળો ચડ્યો. દર્દ વધી ગયું હતું પણ મનજી માંડ ચાલવા લાગ્યો. વહુએ ટોણો માર્યો કે વધારે બિમાર પડો તો અમારે ઉપાધિ. ગલીના નાકે કોઈજ હતું નહિ. કોઈ વાહન નહિ, માણસ નહિ. એવામાં અચાનક મનજીની પાછળથી કાળું જેકેટ પહેરેલ યુવાને આવીને મનજીનું ગળું પકડી લીધું અને દિવાલ જોડે અડાવી દીધો! મનજી ચોંકી ગયો. પેલાના શ્વાસ મનજીના ચહેરા પર અથડાઈ રહ્યા. "તૈયાર થઈ જાઓ મરવા માટે." જીન્સના પાછળ ખોંસેલું હથિયાર કાઢવા એક હાથ પાછળ કર્યો એટલામાં એના ચહેરા પર એક જોરદાર મુક્કો પડ્યો. "અબે બુઢ્ઢા સામે શું બહાદુરી બતાવે છે?" આ કદાચ એ જ યુવાન હતો જેણે બગીચામાં મનજીને વઢીને ગયો હતો. પણ હમણાં એની સામે જોવાની મનજીની તાકાત નહોતી. અચાનક ગળું દબાઈ જવાથી મનજી હાંફી ગયો હતો. દિવાલને અડીને મનજી બસી ગયો, આંખો બંધ થઈ ગઈ, જીભ હોઠ ઉપર ફરી રહી. આ તરફ ખતરનાક લડાઈ ચાલુ હતી. મુક્કાઓના અવાજ અને કરાહવાના અવાજ આવતા રહ્યા. મનજી બેભાન થઈ ગયો.

જ્યારે આંખ ખુલી ત્યારે લાઈટ અને પંખો દેખાયો. સળવળાટ સાંભળીને નર્સ આવી અને પાછળ મનજીનો દીકરો પણ આવી ગયો. એક બોટલ ચડી રહ્યો હતો. વહુના આંખેથી એક આંસુ ઉતરી રહ્યું હતું! મનજીએ બધી વાત દીકરાને કહી, વહુ અને દીકરો બંને અચંબાથી સાંભળી રહ્યા. આવા ઘરડા માણસને કોઈ મારી નાખવા કેમ ઈચ્છે? એમ પણ તો મનજી મરવાના આરે જ આવીને ઉભો હતો ને?એની વાત બધાએ સાંભળી પણ કોઈએ સાચી માની નહિ. અસાધ્ય રોગ,મોટી ઉમર, પછી કેમ?ચોથા દિવસે મનજી ઘરે આવી ગયો. વહુએ કાળજી રાખવાનું ચાલુ કરી દીધું.

એજ રાતે કોઈકે દરવાજો ખખડાવ્યો, મનજી ધીમે ધીમે દરવાજે ગયો. સામે કોણ હતું એનો ચહેરો દેખાયો નહિ. એ કદાચ પેલો બચાવનાર જ હતો.
પણ અંધારામાં એનો ચહેરો દેખાતો જ નહોતો.
"હુંઉ ડોહા....હજી જીવે છે લ્યા તું?"
"કોણ છો ભાઈ?" મનજીનો બુઢ્ઢો અવાજ. મનજીને સમજાતું નહોતું કે કશું ના દેખાવાનું કારણ ઉંમર હતી કે અંધારૂં!
"અલ્યા હું છું, કેટલો ડરપોક છે તું! છે હવે તારી પાસે ગુમાવવા જેવું...કંઈ છે?"
"અરે ભાઈ... હું... ઘરડો માણસ.."
"હાં, એ જ તો... જુવાની ગયા પછી શું હોય?... મરવું છે?...તારે મરવું છે?"
મનજી ગભરાઈને એક ડગલું પાછળ ખસી ગયો. "હં હં હં" પેલો યુવાન ખંધુ હસ્યો. અચાનક એણે આગળ વધીને મનજીને ગળેથી પકડ્યો. "જો બુઢઉ...ધ્યાનથી સાંભળ...તારે જીવવું હોય તો જીવવાની ઈચ્છા રાખવી પડશે..મારી વાત માન નહિ તો આ રોગ કરતા પહેલા જ પેલો તારો દુશ્મન તને મારી નાખશે...ખબર છે ને મરી જવું એટલે શું?" મનજી એનો ચહેરા તરફ તાકી રહ્યો હતો પણ અંધારા સિવાય બીજું કશું દેખાતું નહોતું...અને મનજી ફરી પોતાના હોશ ખોઈ બેઠો.

સવારે આંખ ખુલી તો મનજી પોતાના પલંગ પર જ હતો. કોણ છે પોતાનો દુશ્મન? અને આ બચાવનાર કોણ છે? આ બધું સાચું છે કે સપનું એ પણ સમજવું મુશ્કેલ બની ગયું હતું. "આવશે ત્યારે જોવાશે" એમ વિચારીને જેના વિશે જીંદગીમાં ક્યારેય વિચાર્યું નહોતું....એ મોત...અલગ અલગ દિશાએથી એની તરફ દોડીને આવી રહ્યું હતું. આ બધું કેટલું ભયંકર હતું...ખોફનાક...ભયાનક! પોતે માણેલી ફિલ્મો, વાર્તાઓ, વિદેશી નવલકથાઓમાં પણ આવું અટપટું નહોતું જોવા મળ્યું. પછી બગીચા તરફ જતી પેલી સુમસામ ગલીથી મનજી જઈ રહ્યો હતો અને સામેની બાજુથી એનું મોત આવી ચડ્યું. બ્લેક જેકેટ પહેરેલ એ યુવાન એની તરફ મક્કમતાથી ચાલીને આવી રહ્યો હતો, એની પાછળ તરફની દિવાલ ઉપર મોટા કાળા અક્ષરોથી કશું લખાયેલું હતું મનજીના પગ કાંપી ઉઠ્યા...એ સતત પાછળ હટતો ગયો. પેલા યુવાનના મોઢા પર બરફ જેવી સજ્જડતા હતી. એણે મનજીને પકડવા હાથ ફેલાવ્યા, નખ તીણાં હતા...મનજીની છાતી બરફની જેમ થીજી ગઈ, પણ ત્યાંજ...એને બચાવનાર પેલો યુવાન મનજીની પાછળથી આવી ચડ્યો. એણે સીધુંજ જેકેટવાળાનુ ગળું પકડી લીધું. જાનવર જેવા અવાજ કરતા બંને અજીબ પ્રકારની લડાઈ લડવા લાગ્યા. ભારે વરસાદ વરસવા લાગ્યો, વાદળોના કારણે વાતાવરણ ભયાવહ દેખાઈ રહ્યું હતું. મનજી અધખુલ્લી આંખે પેલી લડાઈ જોઈ રહ્યો હતો, ક્યારેક ચાઈનીઝ સ્વોર્ડસ તો ક્યારેક રશીયન યુઝીથી બંને લડી રહ્યા હતા...આ બધો ભ્રમ હતો કે સત્ય એ મનજી સમજી નહોતો શક્યો. વચ્ચે વચ્ચે એનો દીકરો અને વહુ દેખાતા રહેતા. દવાખાનાની ગંધ અને શરીરનું દરદ અને પેલા બંને લડતા/કરાહતા યુવાનો.. બધા દ્રશ્યો સમજમાં આવી રહ્યા હતા, કડીઓ ગોઠવાઈ રહી હતી..પણ જેમ સપનાં જોતી વખતે સપનાં તદ્દન સાચા જ લાગે છે એમ જ.

યુઝીમાંથી છુટેલી એક ગોળી મનજીને વાગી. નહિઇઇઇઇઇઇઇ...એક ચીસ સાથે યુવાન મનજી તરફ જુએ છે...મનજીની આંખો સામે બધું ધુંધળું થઈ ચાલ્યું, પેલો હત્યારાનું કામ જાણે પુરૂં થઈ ગયું હોય એમ વિજયી સ્મિત સાથે ત્યાં જ ઉભો રહ્યો...મનજી ઘુંટણિયે પડ્યો. પળવાર બધું થંભી ગયું. આતો દરદની ચરમસીમા હતી, અસહ્ય દર્દની ચરમસીમા પછી દર્દ સહ્ય બની જાય છે તેમ મનજી આંખો પહોળી કરે છે અને સામે પ્રેમિકા, પત્નિ અને પરિવારના ચહેરાઓ તરવરી ઉઠ્યા. અને મનજીને થયું કે કોઈને કશો ફર્ક નથી પડ્યો કે પોતે જીવવાનો છે કે મરવાનો છે. મૃત્યુતો દુઃખ-દર્દના અંતનું નામ છે. જે દુખ-દર્દ છે એ તો જીવન છે ત્યાં સુધીજ અનુભવી શકાય છે, મોતતો એના અંતનું નામ છે ને! પછી નવી ઘોડી નવો દાવ, એક નવી શરૂઆત. જીંદગી પુરી થાય છે એ છેડેથી જો વળીને જોવામાં આવે તો જીંદગી એક પરફેક્ટ નાટક જેવી જ લાગે છે, બધું જ ગણતરીપુર્વક ગોઠવાયેલું દેખાય છે. એ પછી કોઈની પ્રત્યે કોઈ દ્વેષ નહિ, રાગ નહિ, મોહ નહિ, માયા નહિ, શરીર નહિ, શરીરનું વજન નહિ, બધું જ મોકળું, છુંટ્ટું છુંટ્ટું!

કરવા માટે કોઈ કામ બાકી નહોતું કે જીવવાનો રસ પણ નહોતો. સવારે જેમ આંખ ખુલે અને ધીમે ધીમે ઓપરેટીંગ સિસ્ટમ લોડ થતી હોય એમ માયા, મોહ અને "હું" શરીરમાં ઘુસે છે એમ મનજીની આંખો શૂન્યમાંથી સત્યમાં આવી. થંભી જતા શ્વાસ ઉંડા થયા. ચહેરા ઉપરથી વરસાદનાં ટીપા લસરી રહ્યા. ઘુંટણિયે પડી રહીનેજ એણે માથું ઉંચુ કરીને પેલા હત્યારાને જુએ છે અને પોતાના બાકી બચેલા દાંત બતાવીને હસે છે. હત્યારો નો ચહેરાના વિજયી હાવભાવ ધીમેથી અત્યંત ગુસ્સામાં બદલાયા...એ હાથ ઉઠાવીને યુઝી તાકે છે...ટ્રીગર દબાય એ સાથે પેલો યુવાન ગોળી અને મનજીની વચ્ચે આવી જાય છે. આ વખતે એના હાથમાં એક શોટગન હતી એની એકજ ગોળીથી હત્યારોની છાતીમાં ત્રણ ઈંચનું બાકોરું પડી ગયુ. મનજી તરફ ધીમે ધીમે પેલો યુવાન આવે છે, મનજીને નવાઈ લાગે છે કે એને યુઝીની ગોળીઓનો કોઈ અસર નહોતો! ધીમે ધીમે બધું દેખાતું બંધ થયું. અજવાળા જોવો અંધકાર છવાયો!

મનજી હોસ્પિટલમાં પડ્યો હતો પણ ખબર નહિ કેવી રીતે એ સીલીંગફેન હોય એમ પોતાને પલંગ પર પડેલો જોઈ શકતો હતો! ફરતે એનું પરિવાર હતું. ધીમે ધીમે ઉપરથી મનજી પોતાના શરીર નજીક આવ્યો અને મનજીની આંખો ખુલી. સિસ્ટર જલ્દી જલ્દી ડૉક્ટરને બોલાવી લાવી. ડૉક્ટરે તો આવા અસંખ્ય કેસ જોયા હશે, એટલે એને અસાધ્ય રોગના ખાત્માની નવાઈ નહોતી તેમ છતાં ફરજ સમજીને મનજીના દીકરાને કહે છે કે આ તો ચમત્કાર છે.

ખબર નહિ કે કેટલા દિવસો વિતી ગયા પણ લાગ્યું કે ગઈ કાલની જ વાત હતી. મનજી ફરી બગીચા બાકડે બેઠો હતો. એના બાકડાની પીઠને અડીને બીજો બાકડો હતો. મનજીને ચશ્માં સાફ કરતાં કરતાં લાગ્યું કે કોઈ પાછળના બાકડે આવીને બેઠું છે. મનજી સહેજ બાજુમાં જોઈ સ્મિત કરીને ફરી ચશ્માં સાફ કરવા લાગ્યો. "આવી ગયો હીરો?"
યુવાન હસ્યો "હાં બુઢ્ઢા... સા# હજી કેટલું જીવવું છે?"
"તો તું બચાવવા કેમ આવી ગયો હતો?"
"હું તો દર વખતે આવું છું,કોઈ બોલાવે કે ના બોલાવે."
"હું ઓળખી ગયો તને!"
"કેમ ડોહા...મારો ચહેરો જોઈ લીધો તેં?"
"હંહ...એની જરૂર નથી" મનજી બોલ્યો. એના મનમાં જ એને પાછળનો બાકડો દેખાયો. મનજીને ત્યાં પોતાની જુવાનીની અવસ્થાનો મનુ આછું સ્મિત કરતા દેખાયો...આજના પહેરવેશમાં! બંને પોતપોતાના ચશ્મા/ગોગલ્સ પહેરે છે અને ઉભા થઈ પોતપોતાની દિશામાં જતા રહે છે.

એ પછી મનજી ઘણું જીવ્યો. લગભગ હંમેશા.

5 comments:

 1. mind blowing.....
  it s very high level story to understand by common man

  ReplyDelete
 2. ખરેખર ર્હદયસ્પર્શી લેખ છે, અને આલેખન પણ ખુબ સુંદર થયુ છે, એક દર્દી તરીકે મનજીના મનમા ઉઠતી વિચાર શ્રુંખલાનુ ખુબ સરસ શબ્દ રૂપાંતરણ.
  http://ajvaduu.wordpress.com/

  ReplyDelete
 3. ખૂબ જ મજાની વાર્તા. ખૂબ ગમી. અભિનંદન.

  ReplyDelete
 4. સહુનો ખુબ આભાર.

  ReplyDelete
 5. સરસ વાર્તા છે , વાંચવી ગમી .

  ReplyDelete