સંસ્કાર

અમુક વખત વિચારૂં છું કે બાળકોને કેવા સંસ્કાર આપવા જોઈએ? આમ તો મારે હજી ઘણી વાર છે છતાં હું જનરલી આ વાત વિચારૂં છું. માળું...આ દુનિયા હવે થોડી સ્ટ્રોંગ થઈ ગઈ છે. હવે પેલા જુના સંસ્કારો બાળકોને આપીએ તો બાળક મોટું થઈને આપણને જ વઢશે કે આ અમને શું શીખવાડ્યું? જે બાળપણમાં શીખીએ છીએ એજ બધું મોટા થઈને ખોટું ઠરે છે.

ખેર...હવે મુળ વાત. એક ભાઈ. રોજ સાંજે અમને ચાર રસ્તે મળે. અમે વળી દોસ્તો ટોળું વળીને વાતો/મસ્તી કરતાં હોઈએ. એ ભાઈ પોતાના એકદમ નાનકડા ભઈલુને ઉંચકીને ફરવા નીકળ્યા હોય. અમે એને જરા વહાલ કરવા જઈએ કે ગાલ પકડીએ એટલે પેલા ભાઈ ભઈલુને કહે, "માર આને, હત્તા કરીદે, હત્તા." !!! આવું??!! પેલાને મોટા/વડીલ સમજીને માન આપીએ ત્યાં તો વળી જુઓ! વળી પેલું ભઈલું આપણને બે-ચાર હત્તા પણ કરી દે. આમતો કશું ખ્યાલ ન રહ્યો આ વાતનો, પણ આઠ-નવ મહિના પછી વેકેશનમાં પાછા અમે નવરા પડ્યા. વળી પેલા ચાર રસ્તે મંડળી જામી. પેલા ભાઈ પોતાના બાબાનો હાથ પકડી ચલાવી રહ્યા હતા. અમને જોઈને ભઈલુને ઉંચકી લીધો...સ્પેશિયલી હત્તા કરાવા સ્તો! મારા દોસ્તોનો વારો ચાલતો હતો ત્યાં તો હું ખસી ગયો! દોસ્તો વાત કરી રહ્યા હતા...એ ભઈલુ સહેજ મોટો થાય પછી એકલો મળવા દો...એકલામાં!

બીજો કેસ. એક ભાઈ હંમેશા પોતાના બાળકના ઝગડામાં ઈનવોલ્વ થાય. ઘરમાં હંમેશા સાંજે ઘરથી બાબાને મોકલતા પહેલા શીખવાડે...આવું કરે તો મારી દેજે, તેવું કરે તો ગાળ દઈ દેજે, પછી હું છું. ઓ તારીત્તો!! આવું શીખવાડવાનું હોય? પેલું વેંત જેવડું ટાબરિયું મહિનામાં એક વાર તો બીજાનો માર ખાય જ. વળી કોઈ વાર આ ભાઈ નાના-નાના છોકરાઓને જઈને ધમકાવી આવે, એમના ઘરે જઈને ફરિયાદ કરી આવે. કોઈવાર તો વાલીઓ જોડે ઝગડો પણ કરી બેસે. એમને શું બનાવવો હશે પોતાના બાળકને? લાદેન?

લોકો આવું ના કરતા હોય તો! મોટા માણસો/વડીલોએ આ બાબતમાં પડવું જોઈએ. આવા લોકોને કોક વાર ટોકવા જોઈએ. શું કહો છો?

4 comments:

  1. બાળકોને ખોટી શિક્ષા આપનાર અને બાળકોના ઝગડામાં પડનાર માત્ર ઉંમર અને શરીરથી મોટા હોય છે પણ વાસ્તવમાં બુદ્ધિથી બાળક જ હોય છે . આપણે આવા મોટા બાબલાઓની ચિંતા ન કરતા તે સમય જતા મોટા થઇ જવાના અને નહિ થાય તો તેમના બાળકો મોટા થઈને તેમને સદબુદ્ધિ આપશે .

    ReplyDelete
  2. અત્યારે તે પોતાના બાળક ને હત્તા-હત્તા કરતા શીખવાડશે અને પોતે ઘરડા થશે એટલે પછી તેમણે શીખવેલું જ કામ માં આવશે અને એજ હત્તા-હત્તા તેમની માટે તેમના જ બાળકો દ્વારા વપરાશે !
    માધવ મેજિક બ્લોગ

    ReplyDelete
  3. બાળકોને શું સંસ્કાર આપવા જોઈએ તે વાત મહત્વની અને સમજવા લાયક છે. પરંતુ સાથે પ્રશ્ન એ થાય છે કે જે આપણામાં જ ના હોય તે સંસ્કાર બાળકને ક્યાંથી આપી શકવાના !~? અને કદાચ આપવા કોશીશ કરીએ તો શું તે સંસ્કાર તેને ચડશે? સંસ્કાર વિચારીને ના અપાય!? જે મૂળભૂત આપણામાં પણ હોવા જરૂરી લાગે છે. બાકી રહી સહજતાની વાત, તો ઘણી બાબત આપણને સહજ લાગે છે તે તમે જેમ ઉદાહરણ આપ્યા તેમ મોટા થાય ત્યારે મુશ્કેલી વધારે તેવાં લાગે.
    સંસ્કાર તે સતત પ્રક્રિયા છે, તે વિચારીને આપી શકાય નહિ. જે વાતાવરણમાં બાળક રહે તે સંસ્કાર તેણે મળે, બાકી ઘણા સંસ્કાર જન્મજાત છે. જે લોહીમાં વણાયેલા હોય છે તેવું માનું છું. જે પ્રાણ સાથે આવે અને સાથે જાય. સિવાય કોઈ ઈશ્વરની વિશેષ કૃપા મળી જાય તો વાત અલગ છે. તે પણ પૂર્વેની કમાઈ હોય તો જ શક્ય છે.!

    ReplyDelete
  4. હમ્મ...મારા મતે લોહીમાં જે સંસ્કાર હોય એ માત્ર ચારપગી પ્રાણી પર જ લાગુ પડે છે. જેમ કે બકરીનું બચ્ચું ડરપોક અને શિયાળનું ચાલાક...છતાં બંને પોતપોતાની જગ્યા એ સાચા. માણસોનું કાંઈ કહેવાય નહિ...બ્રાહ્મણનો દીકરો ચોર અને ચોરનો દીકરો ભગત ન હોઈ શકે? :D

    ReplyDelete